Monday, January 23, 2017

માતૃભાષા

જા તારું છોકરું માતૃભાષા ને સાવ ભૂલી જાય...'
રશિયામાં બે સ્ત્રીઓ ઝઘડે તો શ્રાપ આપે કે,
આરતી પટેલે માતૃભાષા વિષય પર વાત કરી

માતૃભાષાનોમહિમા કરવાનો પ્રસંગ હતો જેમાં જાણીતા આર.જે. અને કલાકાર આરતી પટેલ જોડાયા હતાં. કનોરિયા સેન્ટર ફોર આર્ટમાં શુક્રવારે 'ભાષા મારી ગુજરાતી છે' અંતર્ગત આરતી પટેલની ટોક યોજાઈ હતી. માતૃભાષા અભિયાન, જીએલએફ અને ક્રિએટીવ યાત્રા ડોટ કોમના ઉપક્રમે યોજાયેલી ટોકમાં આરતી પટેલે નવી જનરેશનને માતૃભાષા તરફ વાળવાની વાત કરી હતી. તેમણે જો દરેક વ્યક્તિને માતૃભાષા આવડતી હોય તો તેના સફળ થવાના ચાન્સ વધી જાય છે તેમ કહ્યું હતું.
આરતી પટેલે કહ્યું કે, 'રશિયામાં દાગેસ્તાન નામનો વિસ્તાર છે જ્યાં આજે પણ બે સ્ત્રીઓ ઝગડે તો એવો શ્રાપ આપે છે કે, જા તારું છોકરું માતૃભાષા ને સાવ ભૂલી જાય. છે માતૃભાષાનું મહત્વ. માતૃભાષાની એવી તો કેવી અસર થતી હશે કે સ્ત્રીઓ એક શ્રાપ તરીકે તેને ગણે છે. માતૃભાષા આપણને આપણા રૂટ્સ સુધી જોડાયેલા રાખે છે. શું આપણે માં બદલી શકીએ ખરા? આપણે જેમ આપણી માને બદલી શકીએ તેવી રીતે માતૃભાષાને પણ બદલી શકીએ. અમદાવાદ કે દરિયાપારમાં પણ માતૃભાષાને ચાહવાવાળો વર્ગ ઓછો નથી. હા હવે સમય બદલાયો છે તેમ તેમ જેમ મા દેશી લાગવી જોઈએ તેમ આપણી માતૃભાષા પણ દેશી લાગવી જોઈએ તે જોવાનું કામ આપણા બધાનું છે.'

જગત રુપી બગીચો

એક રાજા હતો. સતત પોતાની રૈયત માટે કંઇકને કંઇક સારુ કરવાની શુભભાવના એના હૈયે વસેલી હતી. એને એક દિવસ વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ મજાનો બગીચો બનાવવો છે. આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો અને ફુલછોડ હોય કે જે બગીચાની મુલાકાત લેનારા કોઇપણ મુલાકાતીના મનને આનંદથી તરબતર કરી દે. પોતાના આ વિચારને મૂર્તિમંત કરવા માટે રાજાએ કેટલાક નિષ્ણાંત માણસો રોક્યા અને બગીચાનું કામ શરુ કરાવ્યુ.

બગીચાનું કામ શરુ કરાવીને પછી રાજા તો પોતાના રોજબરોજના વહીવટી કામમાં પરોવાઇ ગયા. બગીચો તૈયાર થઇ ગયો અને બગીચાની મુલાકાત લેવા માટે રાજાને કહેવામાં આવ્યુ પણ રાજા બીજા કેટલાક કામોમાં વ્યસ્ત હોવાથી બગીચાની મુલાકાત લઇ શક્યા નહી. થોડા વર્ષો પછી એકવાર રાજાને રોજબરોજના કામમાથી ફુરસદ મળતા તેઓ આ બગીચાની મુલાકાતે આવ્યા. એમણે આવીને જોયુ તો બગીચાના તમામ વૃક્ષો અને ફુલછોડ મુરઝાયેલા હતા. ફ્ળોથી લથબથ ઝાડ પણ ઉદાસ હતા અને ફુલોથી લચી પડેલ છોડ પણ ઉદાસ હતા. રાજાને એ નહોતુ સમજાતુ કે આ બગીચાના તમામ વૃક્ષો અને છોડવાઓની યોગ્ય માવજત કરવા છતા આ વૃક્ષો અને છોડવાઓ મુરઝાયેલા કેમ છે ?

એણે સફરજનના વૃક્ષને ઉદાસીનું કારણ પુછ્યુ તો સફરજનના વૃક્ષે કહ્યુ , "અરે , મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારના વૃક્ષને જોવ છુ ત્યારે મને એમ થાય છે કે એ કેટલું ઉંચુ છે ભગવાને મને એના જેટલી ઉંચાઇ કેમ નથી આપી ?" સફરજનનું વૃક્ષ જેને નસીબદાર ગણતુ હતુ એ દેવદારના વૃક્ષે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યુ , " હું બહુ ઉંચુ છુ પણ મને ફળ કેમ નથી આવતા આ ફળ વગરના વૃક્ષની કીંમત તો સંતાન વગરના દંપતિ જેવી કહેવાય. ભગવાને મને નાળીયેરીની jજેમ ઉંચાઇની સાથે ફળ પણ આપ્યા હોત તો કેવુ સારુ હતુ !" નાળીયેરીએ પોતાના દુ:ખની દાસ્તાન રજુ કરતા કહ્યુ, " ભગવાને મારામાં ફળ મુક્યા પણ આટલે બધે ઉંચે મુક્યા છે. ઘણીવખત તો માણસ મારા ફળનો ઉપયોગ કરવાનું જ ટાળે છે. મને દ્રાક્ષના વેલા જેવી કેમ ન બનાવી ?"

રાજા આ બધાની ફરીયાદ સાંભળતા સાંભળતા આગળ વધ્યા. વૃક્ષોના જેવી જ ફરીયાદ ફુલછોડની પણ હતી. પોતે બીજા જેવા કેમ નથી એ વાત ફુલછોડને પણ મુંઝવતી હતી. રાજા નિસ્તેજ બગીચાને જોઇને ઉદાસ થઇ ગયા. અચાનક રાજાની નજર થોડે દુર રહેલી એક વેલ પર પડી. વેલ એકદમ લીલીછમ અને તાજગીથી ચમકતી હતી. મુરઝાયેલા આખા બગીચાની વચ્ચે એક માત્ર આ વેલને તાજીમાજી જોઇને રાજાને ખુબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયા.

રાજાએ વેલને પુછ્યુ, " આ બગીચાના બધા જ વૃક્ષો અને ફુલઝાડ મુરઝાયેલા છે પણ તુ આવી તાજીમાજી કેમ છે ?" વેલ રાજાની સામે જોઇને હસી પછી બોલી, " હું મારી સરખામણી બીજા કોઇ સાથે નથી કરતી. ફળોથી લથબથ વૃક્ષોને જોઇને કે ફુલોથી લચી પડેલ છોડને જોઇને મને દુ:ખ નથી થતું કે મારામાં ફળ કે ફુલ કેમ નથી ? કારણ કે હું સમજુ છુ કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્વને ધ્યાનમાં લઇને જ લાવવામાં આવી હશે. મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફુલ આવવાના નથી અને છતાય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઇ જરુર હશ, જો મારી જરુર ન હોય તો પછી મને આ બગીચામાં લાવવામાં જ ન આવી હોત. બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકુ. આજે આપના ચહેરા પરનો આનંદ જોઇને મને પણ આનંદ છે કે હું મને લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકી છું."

મિત્રો, જેમણે આ જગત રુપી બગીચો બનાવ્યો છે એવા પરમાત્માએ આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્વ છે. દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે પરંતું આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને બધુ હોવા છતાય સતત મુરઝાયા કરીએ છીએ. આપ આ ધરતી પર છો એ જ બતાવે છે કે આપની આ ધરતીને જરુરીયાત છે.

Thursday, December 29, 2016

કોઈક ની દિકરી ને દિકરી

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવાના ગામની તપાસમાં નીકળ્યો છે. રસ્તામાં તરસ લાગી. ગળું સુકાવા માંડ્યું. એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું, 'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'

બાઈ બોલી, 'અરે બાપુ! પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.' પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ. ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ' અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો. તેનાથી રે'વાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું. તેં મને 'બાપ' કીધો. હવે તું મારી 'દીકરી' છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.

રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા. પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા. મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી! મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું?'

દીકરી બોલી, 'બાપુ! દીકરીનું સાસરું બાપથી લુટાય?'

'દીકરીનું સાસરું' આટલું સાંભળતા તો એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો. બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો. એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.'
🙏નસીબદાર ને ત્યાં દિકરી હૉય, દિકરા હૉય તો ચિંતા ન કરશો, કોઈક ની દિકરી ને દિકરી બનાવી ને લાવવાની હોય 🙏

Friday, December 16, 2016

Sadar PATEL

યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ મુદો આવ્યો. ભારત સ્વાયત થયા પછી ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા.

ગાંધીજીએ સરદારને પુછ્યુ, "વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?" ગાંધીજી સહીત બધાને સરદારનો જવાબ સાંભળવાની ઇચ્છા હતી બધા સાવધાન થઇ ગયા. સરદારે ખુબ સહજતાથી કહ્યુ, "બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ." (મલતબ કે સન્યાસી બનીશ) સરદાર સાહેબની આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.

સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી સાચી સાબિત કરીને બતાવી. સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓ પણ સરદારના શીરે જ રાજમુટુક મુકવાની દરખાસ્ત રજુ કરતી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે?

સરદાર સાહેબના અવસાન પછી એમની અંગત મિલ્કતોમાં 4 જોડી કપડા, થોડા વાસણો અને માત્ર 237 રૂપિયાની બેંક બેલેન્સ હતી (આ રકમ બધા જુદી જુદી બતાવે છે પણ 250 રૂપિયાથી વધતી નથી) આનાથી મોટો સન્યાસી બીજો ક્યો હોય ?

સરદારના નામે કોઇ મકાન કે જમીનનો નાનો ટુકડો પણ નહોતો. અવસાન બાદ અંતિમ ક્રિયા પણ સામાન્ય માણસનો જ્યાં અગ્નિસંસ્કાર થાય ત્યા જ કરવાની એણે સુચના આપી હતી. સરદાર કહેતા કે અવસાન બાદ મારા નામની સમાધી બને અને દેશની થોડી જમીન મારા નામે દબાય એ હુ બીલકુલ નથી ઇચ્છતો. 562 રજવાડાઓને એક કરીને આજના અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર સાહેબ તો ચક્રવર્તિ સન્યાસી હતા.

દેશ માટે પોતાનું તન,મન અને ધન સર્વસ્વ અર્પણ કરનાર આ મહાપુરૂષની ગરિમા જાળવવામાં આપણે બધા સદંતર નિષ્ફળ ગયા છીએ. મેલી મુરાદના વામણા અને નફ્ફટ રાજકારણીઓએ સરદારની પ્રતિભાને ભૂંસી નાંખવાના પુરા પ્રયત્નો કર્યા છે પણ આ સૂર્યના તેજને કેવી રીતે ઢાંકી શકાય ?

સરદાર સાહેબે 15મી ડીસેમ્બર 1950ના રોજ વિદાય લીધી. એના 4 વર્ષ બાદ 1954માં મૌલાના આઝાદ મૃત્યુ પામ્યા. મૌલાનાના અવસાનના બીજા મહીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદભવનમાં એમનું તૈલીચિત્ર મુકવા માટે સંસદસભ્યોને વિનંતી કરી. આ સમયે ગ્વાલિયરના મહારાજા સિંધિયા ત્યાં હાજર હતા. મૌલાનાનું તૈલી ચિત્ર મુકવાની દરખાસ્ત થઇ ત્યારે એમનું ધ્યાન ગયુ કે સંસદના સભાખંડમાં અખંડભારતના નિર્માતા સરદાર પટેલનું તૈલી ચિત્ર તો છે જ નહી !

મહારાજા સિંધિયા સીધા જ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને જઇને મળ્યા અને બધી વાત કરી. સરદારનું ચિત્ર સંસદભવનમાં હોવુ જ જોઇએ એવી મહારાજાની વાતને રાષ્ટ્રપતિએ પણ સ્વિકારી. સરદારે જેમની પાસેથી એમનું રાજ્ય ભારતસંઘને અર્પણ કરાવ્યુ હતુ એવા મહારાજાએ પોતાના ખર્ચે તાત્કાલિક સરદારની પ્રતિભાને છાજે એવુ તૈલીચિત્ર તૈયાર કરાવ્યુ. ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે આ ચિત્રને ખુલ્લુ મુકવામાં આવ્યુ એ વખતે ગ્વાલિયરના મહારાજાએ સરદારને અંજલી આપતા કહ્યુ હતુ કે " આ એ માણસ છે જેને હું એક સમયે નફરત કરતો હતો, આ એ માણસ છે જેનાથી પછી હું ડરતો હતો, આ એ માણસ છે જેના આજે હું વખાણ કરુ છુ અને હું એને ભરપુર પ્રેમ કરુ છું."

આ યુગપુરુષને દેશનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' આપવામાં પણ આપણે કેટલા મોડા પડ્યા. જવાહરલાલ અને રાજાજીને જે સન્માન એમની હયાતીમાં જ આપ્યુ એ સન્માન ભારતમાના આ લાડકા દિકરાને એના અવસાનના 41 વર્ષ બાદ છેક 1991માં એનાયત કરવામાં આવ્યુ. ભારતરત્નથી ફીલ્મના અભિનેતાઓને સન્માનિત કરવાનું આપણને યાદ આવ્યુ પણ સરદારને સાવ ભૂલી જવામાં આવ્યા કે ભૂલાડી દેવામાં આવ્યા. જો કે સરદાર જેવી પ્રતિભા કોઇ સન્માનની મોહતાજ નથી.

સરદાર કોઇ જ્ઞાતિ કે સમાજના નહિ પરંતું ભારત દેશના હતા, છે અને રહેશે. સરદાર સાહેબને એમની 66મી પુણ્યતિથીએ કોટી કોટી વંદન.

સરદાર વાણી
જે પ્રજા પોતાના વીર પુરુષોની કદર કરી નથી જાણતી તે જેને વીરતાભર્યુ કહી શકાય એવુ કશુ નહી કરી શકે.

Friday, November 11, 2016

યુવાનોને પ્રેરણારુપ 'અલખ જોલી'


યુવાનોને પ્રેરણારુપ 'અલખ જોલી'
---------------------
મોરબીમાં રાજનગર -પંચાસર રોડ વિસ્તાર મા છેલ્લા ૧૦ વષઁથી અલખની જયોત જગાવી ગૌમાતાની સેવા કરતી નાના શિશુથી માંડી વડીલ સુધીની ટોળી અદ્વિતીય છે. મંગળ પ્રભાત હોય કે પૂજાનું સંધ્યા ટાણુ એ સમયે 'સંત દેવીદાસ' ના નાદ સાથે ઘર ઘર ફરી તેઓ રોટલી રોટલા ઉઘરાવી રહેલ છે. ઉનાળો હોય કે શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાનો સમય પણ ક્યારેય ચૂક્યા વગર ગાય ની સેવા કરે છે. એકત્ર થયેલ બધુંજ મોરબીની પ્રખ્યાત ' યદુનંદન' ગૌશાળાની ગાયો માટે પહોંચાડે છે. લુલી લગડી અંધ અપંગ ગાયો માટેનુ આ કાયઁ ૧૦ વષઁ પૂણઁ કરતા ગઈકાલે અેક ડાયરો સંત સરવાણી કાર્યક્રમ યોજાયેલ જેમાં ઉપલેટાના લોકસાહિતયકાર શ્રી દેવરાજભાઇ ગઢવી નો સુંદર મનનીય સંગીત ભજનો હતા, તેનો મને થોડી પળોનો લાભ મળ્યો.
કહેવાય છે કે સારા કામ કરનારને ભગવાન પણ મદદ કરે છે. આથી આ સુંદર કામમાં વરસાદની ઋતુમાં પણ ક્યારેય ઝોળી ભિંજાય નથી.
કોણ કહે છે યુવાનો ગેરમાગેઁ છે, ખરેખર સાચા માગઁદશઁક અને રોલ મોડેલ ખૂટે છે. અભિનંદન છે સત્ દેવીદાસ મંડળ કાયઁકતાઁ અને તેના લીડર શ્રી રામજીભાઇ અને શ્રી વલલભભાઇ