ભારતીય લશ્કરમાં સેવા આપનાર એક સૈનિક લશ્કરના નિયમો મુજબની નક્કી થયેલી ઉંમરે પહોંચતા નિવૃત થયા. નિવૃતિબાદ સરકાર તરફથી એમને જીવન નિર્વાહ માટે પેન્શન મળતું હતું એટલે બીજુ કોઇ કામ કરવાની આવશ્કતા નહોતી. સતત કાર્યશીલ રહેવા ટેવાયેલ સૈનિક કામ વગર તો કેવી રીતે રહી શકે ? એટલે એણે એક પ્રાઇવેટ સીક્યુરીટી કંપનીમાં નોકરી સ્વિકારી.
કંપનીએ એમને દહેરાદૂનનાં માજરા વિસ્તારમાં આવેલા એક એટીએમની સીક્યુરીટીનું કામ સોંપ્યું. બિજેન્દરસિંહ નામના આ નિવૃત સૈનિકે સીક્યુરીટી ગાર્ડ તરીકે કામ ચાલુ કર્યુ. બીજેન્દરસિંહ બીજા સિક્યુરીટી ગાર્ડ કરતા સાવ જુદા લાગતા હતા. ભલે સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવાની હોય પણ યુનીફોર્મ અને પર્સનાલીટી કોઇ ઓફીસરને પણ ટક્કર મારે એવી હતી.
બીજેન્દરસિંહે જોયુ કે આજુ-બાજુના વિસ્તારમાં કેટલીક ઝૂંપડપટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો રખડવાનું અને ભીખ માંગવાનું કામ કરતા. બીજેન્દરસિંહ આ બાળકોને તથા એમના વાલીઓને મળ્યા અને જીવનમાં ભણવાનું શું મહત્વ છે એ સમજાવ્યુ. રોજ સાંજે 7 થી 9 બે કલાક કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર બાળકોને ભણાવવાની એણે તૈયારી બતાવી. વાલીઓ અને બાળકો આ માટે તૈયાર થયા પરંતું એક સામાન્ય સ્થિતિનો સીક્યુરીટી ગાર્ડ ભણાવવાની જગ્યા ક્યાંથી લાવે ?
ભણાવવાની જગ્યાનો વિકલ્પ પણ એણે શોધી કાઢ્યો. એટીએમની બાજુમાં જ રોડ પર ભણાવવાની શરુઆત કરી. એટીએમમાંથી આવતી લાઇટના અજવાળે જ એણે કેટલાય બાળકોના અંધારીયા જીવનમાં અજવાળા કર્યા. રોજ 7 વાગે અને બાળકો ભેગા થઇ જાય. બિજેન્દરસિંહ એટીએમની ખુરશી બહાર લઇ લે અને પછી નીશાળ શરુ થાય. ભણવવા માટે જે કંઇ સાધન સામગ્રીની જરુર પડે એ બધી જ સાધન સામગ્રી બીજેન્દરસિંહ પોતાના ખર્ચે જ લઇ આવે. વિદ્યાર્થીઓને ભણવામાં રસ જાગે એટલે નાના-મોટા ઇનામો પણ આપે.
ત્યાંથી પસાર થનારા કે એટીએમમાંથી પૈસા ઉપાડવા આવતા કેટલાય લોકોની આંખો આ દ્રશ્ય જોઇને ટાઢી થાય. ઘણાલોકોએ બીજેન્દરસિંહને તેમના આ સેવાકાર્ય માટે આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી પણ એને વિનમ્રતા પૂર્વક ના પાડતા કહ્યુ 'મારા પરિવારના નિર્વાહ માટે જેટલી આવકની જરૂર પડે તેના કરતા પણ મારી આવક વધુ છે તો પછી આ વધારાની આવકને સાચવીને શું કરવાની ? બાળકોના વિકાસ માટે વપરાય એનો મને આનંદ મળે છે. મારી વધારાની આવકથી કોઇ વ્યક્તિ સારુ જીવન જીવવા માટે સક્ષમ બને તો એ લેખે લાગશે.'
વિજેન્દરસિંહ આ સેવા છેલ્લા કેટલાય વર્ષોથી કરે છે અને હવે તો એની આ સેવાનો લાભ મેળવનારા કેટલાક બાળકો સારી નોકરીએ પણ લાગી ગયા છે.
મિત્રો, એટીએમ પર ફરજ બજાવનાર એક સીક્યુરીટી ગાર્ડ પણ સમય અને સંપતિનો કેવો સદઉપયોગ કરી રહ્યા છે ? આપણે તો માત્ર શ્વાસ લઇને દિવસો કાઢીએ છીએ, આવા લોકો જીવનને જીવે છે.
No comments:
Post a Comment