Sunday, July 3, 2016

બિરની સિગલ નામના એક કેન્સર સ્પેશિયાલિસ્ટે 'લવ, મેડિસિન અને મિરેકલ્સ' નામનું એક પુસ્તક લખ્યું છે. મનની શક્તિ શરીર પર કેવી રીતે રાજ કરે છે તેનો એક અદભૂત પ્રસંગ, સિગલે આ પુસ્તકમાં નોંધ્યો છે.

1957ના વર્ષની આ ઘટના છે. મી.રાઈટ નામનો એક પાઈલોટ હતો. આ પાઈલોટને ગળાનો દુ:ખાવો શરુ થયો. ધીમે ધીમે દુ:ખાવો વધવા લાગ્યો. ડોકટરોએ તમામ રિપોર્ટ્સ કરાવ્યા એટલે ખબર પડી કે મી.રાઇટ્સને ગળાનું કેન્સર છે. આ એ સમય હતો કે જ્યારે કેન્સર જીવલેણ રોગ ગણાતો અને એની કોઈ અસરકારક દવા પણ નહોતી.

મી.રાઈટ્સ સાવ પડી ભાંગ્યા. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા પણ તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. મી.રાઇટ્સ હવે માત્ર થોડા દિવસના જ મહેમાન હતા. એકદિવસ એણે છાપામાં એક સમાચાર વાંચ્યા. કેન્સરને કાબુમાં કરી શકાય એવી 'ક્લેબાયોસિન' નામની એક દવા શોધવામાં આવી છે. આ દવા ગમે તેવા કેન્સરના રોગને પણ મટાડી શકે છે.

મી.રાઇટ્સ આ સમાચાર વાંચીને આનંદથી ઝૂમી ઉઠ્યા. એણે આ દવા લેવાનું નક્કી કર્યું. ડોકટરો માર્કેટમાં આવેલી આ દવાની અસરકારકતા અંગે શંકાશીલ હતા પણ મી.રાઇટ્સને પૂર્ણ વિશ્વાસ હતો કે આ નવી દવા એને નવું જીવન આપશે. મી.રાઇટ્સના આગ્રહથી એ દવા એમને આપવામાં આવી. માત્ર થોડા જ દિવસોમાં કેન્સરની ગાંઠો ઓગળવા લાગી અને અમૂક અઠવાડિયા પછી મી.રાઈટ્સ સંપૂર્ણ સ્વસ્થ થઈને પાઈલોટની નોકરી પર પરત આવી ગયા.

થોડા મહિના પછી એક બીજા સમાચાર છપાયા કે 'કેન્સરની જે દવા શોધાયાનો દાવો હતો તે સાવ ખોટો હતો. લેબોરેટરીમાં ઊંડાણપૂર્વકની તપાસ પરથી સાબિત થયું કે દવાની કેન્સર પર કોઈ અસર થતી નથી. કંપનીએ પણ દવાને માર્કેટમાંથી પાછી ખેંચી લીધી છે.' આ સમાચાર વાંચતાની સાથે જ મી.રાઇટ્સને પરસેવો છૂટી ગયો. બીજા જ દિવસે એ બિમાર પડી ગયો. હોસ્પિટલમાં દાખલ થયો અને થોડા દિવસમાં એના શરીરમાં કેન્સરની ગાંઠો ફરીથી જોવા મળી અને અઠવાડિયામાં તો એ મૃત્યુ પામ્યો.

મિત્રો, મનની હકારાત્મક કે નકારાત્મક અસર શરીર પર થાય જ છે. મન ધારે તો સાજા શરીરને માંદું પાડે અને મન ધારે તો માંદા શરીરને સાજું પણ કરે. શરીરના મોટાભાગના દુઃખોનું કારણ મન જ હોય છે. શરીરની તંદુરસ્તી માટે મનની તંદુરસ્તી બહુ જરૂરી છે.

No comments:

Post a Comment