આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.
મુંબઇથી બેંગ્લોર તરફ જતી 'ઉદયન એક્ક્ષપ્રેસ' ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, "નીચે છુપાઇને કેમ બેઠી હતી ? તારી ટીકીટ બતાવ". છોકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યુ, "મારી પાસે ટીકીટ નથી"
ટી.સી. ગુસ્સે થયો અને કહ્યુ, "તને રેલ્વે પોલીસના હવાલે કરી દેવી જોઇએ પણ તું છોકરી છે એટલે જવા દઉં છું. આગળના સ્ટેશન પર આ ટ્રેઇનમાંથી નીચે ઉતરી જજે." ટ્રેઇનમાં મુસાફરી કરનાર એક અજાણી મહિલા છોકરીની મદદે આવી. એમણે ટી.સી.ને કહ્યુ, "ભાઇ, આટલી નાની છોકરી અજાણ્યા સ્ટેશન પર ઉતરીને ક્યાં જશે ? એક કામ કરો, દંડ સાથેની જે કંઇ રકમ થતી હોય તે મને જણાવો એટલે એ રકમ હું ભરી આપુ અને તમે કાયદેસરની પહોંચ આપી દો". મહિલાએ છોકરીને પુછ્યુ, "બેટા, ચિંતા ના કર, તારે ક્યાં જવાનું છે એ કહે એટલે હું તને ત્યાંની ટીકીટ અપાવી દઉં". છોકરીએ કહ્યુ, "મને એ જ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે ?"
મહિલાએ ટી.સી.ને કહ્યુ, "ભાઇ, આ છોકરી માટે બેંગ્લોરની ટીકીટ જ આપી દો. હું બેંગલોર જાવ છું એટલે આ છોકરીને પણ મારી સાથે બેંગ્લોર જ લેતી જઇશ". મહિલા આ છોકરીને લઇને બેંગ્લોર આવી અને બેંગ્લોરની એક સંસ્થામાં મુકી આવી. છોકરીના રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા આ મહિલાએ કરી આપી. આ ઉપરાંત એના અભ્યાસની વ્યવસ્થા પણ આ મહિલાએ કરી આપી અને તમામ ખર્ચ એમણે ઉપાડી લીધો. મહિલા ક્યારેક ક્યારેક આ છોકરીને મળવા માટે પણ જતી પરંતું કામની અતિ વ્યસ્તતાને લીધે આ મુલાકાતો ઘટતી ગઇ. ક્યારેક ફોન પર તો ક્યારેક ઇમેઇલ દ્વારા વાતચિત થતી રહેતી.
અમુક વર્ષો પછી પેલી મહિલાને એક લેકચર આપવા માટે અમેરીકાના સાનફ્રાંસિસકોમાં જવાનું થયું. સાનફ્રાંસીસકોમાં રહેતા કન્નડ લોકોની એક સંસ્થાએ વ્યાખ્યાનનું આયોજન કરેલુ હતું. આ મહિલા જે હોટેલના હોલમાં કાર્યક્રમ હતો એ હોટેલમાં જ રોકાયા હતા. કાર્યક્રમ પુરો થયા બાદ હોટેલથી નીકળતી વખતે જ્યારે આ મહિલા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર એમનું બીલ ભરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે કોઇએ એમનું બીલ ભરી આપ્યુ છે. બીલ ભરી આપનાર દંપતિ ત્યાં જ ઉભુ હતું. મહિલા પ્રોફેસર એમને ઓળખતા પણ નહોતા એટલે પુછ્યુ, "આટલી મોટી રકમનું બીલ તમે કેમ ભરી આપ્યુ ?" સામે જ ઉભેલા દંપતિમાંથી પત્નિ બોલી, "મેડમ, આ બીલની રકમ મુંબઇથી બેંગ્લોરની રેલ્વે ટીકીટની સામે સાવ તુચ્છ છે."
મહિલાની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. એક અનાથ છોકરીને રેલ્વેના ડબ્બામાંથી અમેરીકા સુધી પહોંચાડનાર સેવાભાવી મહિલા એટલે ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ સુધા મૂર્તિ.
મિત્રો, તમારી નાની એવી મદદ કેટલું મોટું પરીણામ આપી શકે એની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનમાં બીજાને જેટલી થઇ શકે એટલી મદદ કરવી જોઇએ. સામેવાળા ભલે કદાચ સુધા મૂર્તિ ન બને પણ તમને મદદ કર્યાનો આત્મસંતોષ જરૂર થશે.
No comments:
Post a Comment