એક વિધવાએ એના દિકરાને ઉછેરવા માટે તનતોડ મજૂરી કરી. દિવસ રાત પારકા ઘરના કામ કરીને એમણે દિકરાને ખુબ ભણાવ્યો. પોતે ફાટેલા કપડા પહેરે પણ દિકરાને રાજાના કુંવરની જેમ રાખે. દિકરો પણ માના સપના પુરા કરવા માટે ખુબ મહેનત કરે. દિકરાનો અભ્યાસ પુરો થયો અને એને એક મોટા શહેરમાં, નામાંકીત કંપનીમાં, ખુબ ઉંચા પગારની નોકરી મળી ગઇ.
દિકરો હવે ગામડમાંથી શહેરમાં રહેવા માટે આવી ગયો. માને પણ સાથે લાવ્યો. દિકરાના લગ્ન થયા અને ઘરમાં નવી વહુ આવી. દિકરાની માને થયુ હવે મારે કોઇ ચિંતા નથી. ભગવાનનું ભજન કરીશ અને બાકીનું જીવન આનંદથી વીતાવીશ. જેમ-જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ ભણેલી ગણેલી વહુને ગામડાની અભણ સાસુ ખુંચવા લાગી. બહેનપણીઓ ઘરે આવે તો સાસુને બહાર ન નીકળવાની સુચના આપે જેથી બહેનપણીઓ પાસે ખરાબ ન દેખાય. સાસુની હાજરી સ્વતંત્રતા છીનવી લેતી હોય એવુ વહુને લાગતું હતું.
એકદિવસ એણે એના પતિને સાસુની વિરુધમાં ફરીયાદ કરીને એમને ગામડે મુકી આવવાની વાત કરી. દિકરાનું મન તો નહોતું માનતુ આમ છતા એણે માને આ વાત કરી. છોકરાની માએ કહ્યુ, "બેટા, હવે મારે ગામડે નથી જાવુ. હું ગામડે જઇશ તો લોકો તને ખરાબ બોલશે. ગામલોકો કહેશે કે માએ મજૂરી કરીને દિકરાને સાહેબ બનાવ્યો અને દિકરો માને સાચવી ન શક્યો. બેટા, મને આ જ શહેરના કોઇ વૃધ્ધાશ્રમમાં મુકી જા. તું બીલકુલ કોચવાઇશ નહી, મને ખબર છે કે તને મારા પ્રત્યે બહુ લાગણી છે. મારા માટે તું તારી પત્નિને પણ છોડી શકે પણ મારે તારુ ઘર નથી ભાંગવુ. હું અહીંયા હોઇશ તો તું મને મળવા પણ આવી શકીશ."
બીજા દિવસે દિકરો દુ:ખી હદયે માને વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો. દિકરાનું મન કામમાં નહોતું લાગતું. એ સાંજે ઘરે આવ્યો તો એની પત્નિ ચોધાર આંસુએ રડતી હતી. એ ભાઇને આશ્વર્ય થયુ કે મારી પત્નિને આટલો બધો પસ્તાવો થઇ રહ્યો છે. એણે એની પત્નિને કહ્યુ, " તને, બાની યાદ આવી રહી છે ? ચાલ આપણે બંને જઇને બાને પાછા લઇ આવીએ." પત્નિએ કહ્યુ, "અરે બાની ક્યા વાત કરો છો ? મારો પ્રિય કુતરો 'શેરુ' સવારનો ક્યાંક ચાલ્યો ગયો છે. હું સવારની કંઇ જ જમી પણ નથી. તમે ગમે તેમ કરો મારા 'શેરુ'ને શોધી લાવો'.
બીજા દિવસે સવારમાં વૃધ્ધાશ્રમના સંચાલકનો ફોન આવ્યો કે આજે છાપામાં તમારો કુતરો 'શેરુ' ગુમ થયાની જાહેરાત આવી છે. આપનો કુતરો કાલનો અહીંયા જ છે અને આપના સાસુ સાથે મોજથી રમી રહ્યો છે."
આપણે પ્રાણીને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો પરિવારના સભ્યોને કરીએ છીએ ખરા ?
No comments:
Post a Comment