15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુવે એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીછડો મારી દીધો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલી આ યુવતીની બંને કીડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ. મૃત્યુ નજર સામે નાચતું હોવા છતા આ છોકરીના ચહેરા પર સ્મિત હતું. એમના મમ્મીએ પોતાની એક કીડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી.અનેક તકલીફોની વચ્ચે પણ એ પુરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઇપણ જાતની ફરીયાદો કર્યા સીવાય મનભરીને માણી રહી હતી.
મમ્મીએ આપેલી કીડનીએ 10 વર્ષ સારી રીતે કામ આપ્યા બાદ અચાનક કામ કરવાનું બંધ કર્યુ. એમને ફરીથી હોસ્પીટલાઇઝ કરવી પડી અને 22 દિવસ હોસ્પીટલમાં રાખી. આ દિવસો દરમ્યાન એણે કેટલાય એવા ગરીબ દર્દીઓને હોસ્પીટલમાં આવતા જોયા જે ડોકટરની સલાહ પ્રમાણે પુરતા ડાયાલીસીસ ન કરી શકવાને કારણે મોતના મુખમાં ઘકેલાતા હોય. ડોકટરે 3 ડાયાલીસીસ કરવાની સલાહ આપી હોય પણ પુરતા પૈસા ન હોવાથી ગરીબ દર્દી 3 ને બદલે 2 ડાયાલીસીસ કરાવે અને ખેંચી શકાય એટલી જીવનની દોરીને ખેંચવાનો પ્રયાસ કરે.
આ યુવતીએ દર્દીઓની આ દયનિય સ્થિતી જોઇ ત્યારે એનું હદય દ્રવી ઉઠ્યુ અને એણે પથારીમાં બેઠા બેઠા જ આ ગરીબ દર્દીઓ માટે જે કંઇ થઇ શકે તે કરવાનું નક્કી કર્યુ. એ ભરતનાટ્યમના ખુબ સારા ડાન્સર હતા એટલે ડાન્સ શો કરીને ગરીબ દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો એણે સંકલ્પ કર્યો. પોતાની અંગત પીડાને અને એની શારીરીક કમજોરીને ધ્યાને લીધા વગર એણે ડાન્સના શો શરુ કર્યા.
દિવસમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે એવી સ્થિતીએ પહોંચેલી આ હિંમતવાન નારીએ ડાન્સ શોના માધ્યમથી 80 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગુ કરીને કીડનીના ગરીબ દર્દીઓની સારવાર માટે આપ્યુ. અનેકને નવુ જીવન આપનારી આ ગુજરાતની ગૌરવશાળી નારીનું નામ છે નિકિતા ધિયા. આજે નિકિતાબેનની વિદાયને એક વર્ષ પૂરું થયું. જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇમાં અંતિમ શ્વાસ સુધી એના ચહેરા પર સ્મિત હતુ.
ગુજરાત સરકાર સ્ત્રીસશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરી રહી છે ત્યારે સ્ત્રીસશક્તિકરણના આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નિકીતા ઘીયાને શત શત વંદન.
No comments:
Post a Comment