Sunday, August 28, 2016

મનોબળ મજબૂત

12 વર્ષની ઉંમરનો એક બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકદિવસ આ છોકરો રમતા રમતા એક અમીર માણસનાં ઘરમાં જઇ ચડ્યો. અમીર માણસે છોકરાને એના ઘરના આંગણામાં જોયો એટલે એના પર તાડૂક્યા. ગુસ્સે થઈને છોકરાને કહ્યું, "તું સાયકલ રિક્ષા ચલાવનારા એક સામાન્ય માણસનો દીકરો છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મુકવાની ?

છોકરો હેબતાઈ ગયો. 'આ અંકલ આટલા બધા ગુસ્સે કેમ થાય છે' એ એને સમજાતું નહોતું. બીજા દિવસે શાળામાં એક શિક્ષકને આ છોકરાએ વાત કરી. પેલા શિક્ષકે સમજાવ્યું કે બેટા, તારા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એ ભાઈએ તારું અપમાન કર્યું. નાના છોકરાએ પૂછ્યું, "સર, પણ કોઈ મારું અપમાન ના કરે એવું કરવું હોય તો મારે શું કરવું જોઈએ"? શિક્ષકે મજાક મજાક માં કહ્યું "એક કામ કર, તું કલેકટર બની જા પછી તારા પિતાની આર્થિક પરિસ્થિતિ સામે કોઈ નહિ જુવે અને ક્યારેય કોઈ તારું અપમાન પણ નહિ કરે"

કલેકટર શું કહેવાય એની આ છોકરાને કંઈ જ ખબર નહોતી પણ એને એ જ ક્ષણે નક્કી કર્યું કે મારે કલેકટર થવું છે. પછી તો અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ ધ્યેય વધુ સ્પષ્ટ થતું ગયું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પરીક્ષાની તૈયારી માટે આ છોકરો દિલ્હી આવ્યો. સાયકલ રિક્ષા ચલાવીને માંડમાંડ પરિવારનો ગુજારો કરતા પિતાજીએ પણ છોકરાને ભણાવવા દેવું કર્યું. છોકરો પણ કોઈ ખોટો ખર્ચો નાં કરે બે મહિના તો માત્ર 2 વખત ચા પીવાના પૈસા નાં હોય એવી સ્થિતિમાં કાઢ્યા.

આ છોકરાએ કલેકટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી. પરિક્ષના પહેલા 2 સ્ટેજ પાસ પણ કરી લીધા. હવે ઇન્ટરવ્યૂમાં જવાનું હતું પણ એની પાસે પહેરવાના સારા કપડાં કે બુટ કંઈ જ નહોતું. છોકરાની મોટી બહેન પરણીને સાસરે ગયેલી એણે પોતાની પ્રસુતિ માટે 2000 બચાવેલા. આ 2000 એમણે કપડાં અને બુટ લેવા માટે નાના ભાઈને આપી દીધા.

રિક્ષા ડ્રાઇવરના દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને કલેકટર પણ બન્યો. આ છોકરાનું નામ છે ગોવિંદ જયસ્વાલ. બાળપણમાં થયેલા અપમાને ગોવિંદને એવી લગની લગાડી કે એણે દુનિયાની સૌથી અધરી ગણાતી પરીક્ષા પણ પાસ કરી દીધી. કલેકટર બનેલા ગોવિંદના ચહેરા પર તમને જે આનંદ દેખાશે એના કરતા સાયકલ રિક્ષા ચલાવતા એના પિતાના ચહેરા પર બમણો આનંદ દેખાશે.

મિત્રો, જો મનોબળ મજબૂત હોય અને ધ્યેય પ્રાપ્તિ માટે સમર્પણભાવથી પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવતા રોકી ના શકે.

Tuesday, August 23, 2016

संपकँ

એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો. યુવકના દાદાએ યુવકને કહ્યુ, " બેટા, મારે નવા ચશ્મા લેવાના છે તું મારી સાથે ચાલને ?" મોબાઇલ પર ચેટીંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી. એમણે દાદાને કહ્યુ, " દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા થાવ. ચશ્મા ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઇ જરૂર નથી."
દાદાએ આશ્વર્ય સાથે કહ્યુ, " શું વાત છે બેટા ? દુકાને ગયા વગર પણ ચશ્માની ખરીદી થઇ શકે ? " યુવાને જરા રુઆબ સાથે કહ્યુ, " દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવુ. આ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠા ખરીદી શકો છો. જુદી-જુદી ઓનલાઇન સેવા પુરી પાડતા ડીપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે ખાલી ચશ્મા જ નહી. કરીયાણુ, કપડા, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધુ જ ખરીદી શકો છો. હવે તમારી જુનવાણી પધ્ધતિને પડતી મુકો અને આ આધુનિક પધ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠા જરૂરીયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો."
દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યુ, " બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે અને થોડું ડીસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા પણ બચે. પણ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છુટી જાય છે એનું શું ? " યુવકને કંઇ ન સમજાયુ એટલે એણે દાદાને કહ્યુ, " તમે શું કહેવા માંગો છો એની કંઇ ખબર નથી પડતી."
દાદાએ યુવકના ખભે હાથ મુકતા કહ્યુ, " બેટા, હમણા થોડા દિવસ પહેલા હું બીમાર પડ્યો. રોજ શાકભાજી લેવા હું જતો પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા. શાકભાજીવાળાને મારી બીમારીની ખબર પડી તો એ સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી. થોડા વર્ષો પહેલા થોડો સમય આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા ત્યારે આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું ઉધાર આપેલુ અને પૈસા આપવાની કોઇ ચિંતા ન કરતા એમ કહેલું. જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઇને એ કરીયાણાવાળાને ત્યાં ખરીદી કરવા માટે જતો. એ ઓછુ ભણેલો કરીયાણાવાળો હંમેશા હસતા હસતા તને ચોકલેટ કે પેંડો પણ આપતો અને ક્યારેય બીલમાં ચોકલેટ-પેંડાની રકમ ઉમેરતો નહોતો. "
યુવક એકધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ વાત આગળ વધારી " બેટા, કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઇ જતી અને હૈયુ હળવું ફુલ થઇ જતું. જેને ત્યાંથી આપણે નીયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા. હવે મને જણાવ તારી ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી ? "
યુવાન કોઇ જવાબ ન આપી શક્યો. બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી અને દાદાજીને એણે એટલું જ કહ્યુ, " ચાલો દાદાજી હું આપની સાથે આવુ આપણે ચશ્માવાળા ભાઇની દુકાને જઇને એમની ચા પી આવીએ અને તમારા ચશ્મા લઇ આવીએ. રસ્તામાં તમારા એકાદ બે ભાઇબંધો મળી જશે તો એને મળી પણ આવીએ."
મિત્રો, જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને મશીન તો નથી બની ગયા ને ? કારણકે જો મશીન બની જઇશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા અને સમયનું કરીશું શું ? ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરીએ પણ માનવ સંપર્કો સાવ તુટી ન જાય એ પણ જરૂરી છે.

Friday, August 19, 2016

गुण और रुप

रूप या गुण
-रचनचंद जैन
-------------------------


सम्राट चंद्रगुप्त ने एक दिन अपने प्रतिभाशाली मंत्री चाणक्य से कहा-
"कितना अच्छा होता कि तुम अगर रूपवान भी होते।"
चाणक्य ने उत्तर दिया,
"महाराज रूप तो मृगतृष्णा है। आदमी की पहचान तो गुण और बुद्धि से ही होती है, रूप से नहीं।"

"क्या कोई ऐसा उदाहरण है जहाँ गुण के सामने रूप फींका दिखे। चंद्रगुप्त ने पूछा।
"ऐसे तो कई उदाहरण हैं महाराज, चाणक्य ने कहा, "पहले आप पानी पीकर मन को हल्का करें बाद में बात करेंगे।"
फिर उन्होंने दो पानी के गिलास बारी बारी से राजा की ओर बढ़ा दिये।

"महाराज पहले गिलास का पानी इस सोने के घड़े का था और दूसरे गिलास का पानी काली मिट्टी की उस मटकी का था। अब आप बताएँ, किस गिलास का पानी आपको मीठा और स्वादिष्ट लगा।"
सम्राट ने जवाब दिया- "मटकी से भरे गिलास का पानी शीतल और स्वदिष्ट लगा एवं उससे तृप्ति भी मिली।"

वहाँ उपस्थित महारानी ने मुस्कुराकर कहा, "महाराज हमारे प्रधानमंत्री ने बुद्धिचातुर्य से प्रश्न का उत्तर दे दिया। भला यह सोने का खूबसूरत घड़ा किस काम का जिसका पानी बेस्वाद लगता है। दूसरी ओर काली मिट्टी से बनी यह मटकी, जो कुरूप तो लगती है लेकिन उसमें गुण छिपे हैं। उसका शीतल सुस्वादु पानी पीकर मन तृप्त हो जाता है। आब आप ही बतला दें कि रूप बड़ा है अथवा गुण एवं बुद्धि?"


-

Saturday, August 13, 2016

અંગદાન

સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરવાનું ચૂકશો નહિ.

એક અતિ ધનવાન શેઠ પાસે અમૂલ્ય કાર હતી. આ કાર સોનાની હતી અને અમૂલ્ય હીરા-મોતી-માણેકથી શણગારેલી હતી. એકદિવસ શેઠે કારની દફનવિઘીનો મોટો કાર્યક્રમ રાખ્યો. શહેરના તમામ લોકોને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું. લોકોને પણ એ નહોતું સમજાતું કે શેઠ કરોડોની કિંમતની મૂલ્યવાન કારને દફન કરીને બરબાદ કેમ કરી રહયા છે ! તમાશો જોવા માટે બધા લોકો ભેગા થયા.

શેઠે એક ખૂબ ઊંડા ખાડામાં કારને ઉતારાવી. હવે માત્ર ઉપર માટી નાખવાની વાર હતી. ત્યાં ઉપસ્થિત તમામ લોકોને આવી અમૂલ્ય કારને દફન કરનાર શેઠની મુર્ખામી પર ગુસ્સો આવી રહ્યો હતો. શેઠના એક નજીકના મિત્રથી નાં રહેવાયું એટલે એણે શેઠને પૂછ્યું, "તમે કારને બરબાદ કેમ કરી રહ્યા છો ? કાર તો ચાલુ હાલતમાં છે તો પછી દફનવિઘી કેમ ?"

શેઠે કહ્યું, "મારી ઉમર અને બીમારી જોતા મને એવું લાગે છે કે હું હવે થોડા સમયનો જ મહેમાન છું. આ કારે મારો ખુબ સાથ આપ્યો છે અને મેં પણ એને જીવની જેમ સાચવી છે એટલે હું ઇચ્છું છું કે મારા મૃત્યુ બાદ આ કાર મારી સાથે આવે. હું કારની દફનવિધી એટલા માટે કરું છું જેથી મારા મૃત્યુ બાદ હું એનો ઉપયોગ કરી શકું".

મિત્રએ કહ્યું, "શેઠ, તમે કેવી મૂરખ જેવી વાત કરો છો. આ ગાડી મૃત્યુ પછી તમારી સાથે થોડી આવવાની છે કે એ તમને કામમાં લાગે? ગાડીને દફન કરવાને બદલે કોઈ જરૂરિયાતવાળાને આપો તો એ એનો ઉપયોગ કરી શકે અને જીવનભર તમને યાદ પણ કરે".

શેઠે બધા લોકોને સંબોધીને કહ્યું, "બસ, આ સમજાવવા માટે જ મેં તમને બધાને ભેગા કર્યા છે. મારે પણ તમને એ જ કહેવું કે મૃત્યુ પછી તમારા શરીરના અંગો તમને શું કામ આવવાના છે ? આવા તંદુરસ્ત અને અમૂલ્ય અંગોનો નાશ કરવાના બદલે જો કોઈ જરૂરિયાતવાળાને દાનમાં આપીએ તો જતા જતા પણ કોઈને નવુજીવન આપવામાં યશભાગી બની શકીએ.

મિત્રો, વિશ્વમાં અંગદાનનાં અભાવે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે 1લાખ લોકો જરૂરી અંગો દાનમાં ના મળવાને કારણે મૃત્યુ પામે છે. આપણે ત્યાં 10 લાખ લોકોએ એકલ-દોકલ લોકો માંડ અંગદાન કરે છે.

આજે વિશ્વ અંગદાન દિવસ છે. અંગદાનનો સંકલ્પ કરીને બીજાને જીવનદાન આપવાનું સદકાર્ય કરવા જેવું છે.

Wednesday, August 10, 2016

પરિવારના પ્રેમ

એક વિધવાએ એના દિકરાને ઉછેરવા માટે તનતોડ મજૂરી કરી. દિવસ રાત પારકા ઘરના કામ કરીને એમણે દિકરાને ખુબ ભણાવ્યો. પોતે ફાટેલા કપડા પહેરે પણ દિકરાને રાજાના કુંવરની જેમ રાખે. દિકરો પણ માના સપના પુરા કરવા માટે ખુબ મહેનત કરે. દિકરાનો અભ્યાસ પુરો થયો અને એને એક મોટા શહેરમાં, નામાંકીત કંપનીમાં, ખુબ ઉંચા પગારની નોકરી મળી ગઇ.

દિકરો હવે ગામડમાંથી શહેરમાં રહેવા માટે આવી ગયો. માને પણ સાથે લાવ્યો. દિકરાના લગ્ન થયા અને ઘરમાં નવી વહુ આવી. દિકરાની માને થયુ હવે મારે કોઇ ચિંતા નથી. ભગવાનનું ભજન કરીશ અને બાકીનું જીવન આનંદથી વીતાવીશ. જેમ-જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ ભણેલી ગણેલી વહુને ગામડાની અભણ સાસુ ખુંચવા લાગી. બહેનપણીઓ ઘરે આવે તો સાસુને બહાર ન નીકળવાની સુચના આપે જેથી બહેનપણીઓ પાસે ખરાબ ન દેખાય. સાસુની હાજરી સ્વતંત્રતા છીનવી લેતી હોય એવુ વહુને લાગતું હતું.

એકદિવસ એણે એના પતિને સાસુની વિરુધમાં ફરીયાદ કરીને એમને ગામડે મુકી આવવાની વાત કરી. દિકરાનું મન તો નહોતું માનતુ આમ છતા એણે માને આ વાત કરી. છોકરાની માએ કહ્યુ, "બેટા, હવે મારે ગામડે નથી જાવુ. હું ગામડે જઇશ તો લોકો તને ખરાબ બોલશે. ગામલોકો કહેશે કે માએ મજૂરી કરીને દિકરાને સાહેબ બનાવ્યો અને દિકરો માને સાચવી ન શક્યો. બેટા, મને આ જ શહેરના કોઇ વૃધ્ધાશ્રમમાં મુકી જા. તું બીલકુલ કોચવાઇશ નહી, મને ખબર છે કે તને મારા પ્રત્યે બહુ લાગણી છે. મારા માટે તું તારી પત્નિને પણ છોડી શકે પણ મારે તારુ ઘર નથી ભાંગવુ. હું અહીંયા હોઇશ તો તું મને મળવા પણ આવી શકીશ."

બીજા દિવસે દિકરો દુ:ખી હદયે માને વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો. દિકરાનું મન કામમાં નહોતું લાગતું. એ સાંજે ઘરે આવ્યો તો એની પત્નિ ચોધાર આંસુએ રડતી હતી. એ ભાઇને આશ્વર્ય થયુ કે મારી પત્નિને આટલો બધો પસ્તાવો થઇ રહ્યો છે. એણે એની પત્નિને કહ્યુ, " તને, બાની યાદ આવી રહી છે ? ચાલ આપણે બંને જઇને બાને પાછા લઇ આવીએ." પત્નિએ કહ્યુ, "અરે બાની ક્યા વાત કરો છો ? મારો પ્રિય કુતરો 'શેરુ' સવારનો ક્યાંક ચાલ્યો ગયો છે. હું સવારની કંઇ જ જમી પણ નથી. તમે ગમે તેમ કરો મારા 'શેરુ'ને શોધી લાવો'.

બીજા દિવસે સવારમાં વૃધ્ધાશ્રમના સંચાલકનો ફોન આવ્યો કે આજે છાપામાં તમારો કુતરો 'શેરુ' ગુમ થયાની જાહેરાત આવી છે. આપનો કુતરો કાલનો અહીંયા જ છે અને આપના સાસુ સાથે મોજથી રમી રહ્યો છે."

આપણે પ્રાણીને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો પરિવારના સભ્યોને કરીએ છીએ ખરા ?

Wednesday, August 3, 2016

Nikita Ghiya

15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુવે એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીછડો મારી દીધો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલી આ યુવતીની બંને કીડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ. મૃત્યુ નજર સામે નાચતું હોવા છતા આ છોકરીના ચહેરા પર સ્મિત હતું. એમના મમ્મીએ પોતાની એક કીડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી.અનેક તકલીફોની વચ્ચે પણ એ પુરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઇપણ જાતની ફરીયાદો કર્યા સીવાય મનભરીને માણી રહી હતી.

મમ્મીએ આપેલી કીડનીએ 10 વર્ષ સારી રીતે કામ આપ્યા બાદ અચાનક કામ કરવાનું બંધ કર્યુ. એમને ફરીથી હોસ્પીટલાઇઝ કરવી પડી અને 22 દિવસ હોસ્પીટલમાં રાખી. આ દિવસો દરમ્યાન એણે કેટલાય એવા ગરીબ દર્દીઓને હોસ્પીટલમાં આવતા જોયા જે ડોકટરની સલાહ પ્રમાણે પુરતા ડાયાલીસીસ ન કરી શકવાને કારણે મોતના મુખમાં ઘકેલાતા હોય. ડોકટરે 3 ડાયાલીસીસ કરવાની સલાહ આપી હોય પણ પુરતા પૈસા ન હોવાથી ગરીબ દર્દી 3 ને બદલે 2 ડાયાલીસીસ કરાવે અને ખેંચી શકાય એટલી જીવનની દોરીને ખેંચવાનો પ્રયાસ કરે.

આ યુવતીએ દર્દીઓની આ દયનિય સ્થિતી જોઇ ત્યારે એનું હદય દ્રવી ઉઠ્યુ અને એણે પથારીમાં બેઠા બેઠા જ આ ગરીબ દર્દીઓ માટે જે કંઇ થઇ શકે તે કરવાનું નક્કી કર્યુ. એ ભરતનાટ્યમના ખુબ સારા ડાન્સર હતા એટલે ડાન્સ શો કરીને ગરીબ દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો એણે સંકલ્પ કર્યો. પોતાની અંગત પીડાને અને એની શારીરીક કમજોરીને ધ્યાને લીધા વગર એણે ડાન્સના શો શરુ કર્યા.

દિવસમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે એવી સ્થિતીએ પહોંચેલી આ હિંમતવાન નારીએ ડાન્સ શોના માધ્યમથી 80 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગુ કરીને કીડનીના ગરીબ દર્દીઓની સારવાર માટે આપ્યુ. અનેકને નવુ જીવન આપનારી આ ગુજરાતની ગૌરવશાળી નારીનું નામ છે નિકિતા ધિયા. આજે નિકિતાબેનની વિદાયને એક વર્ષ પૂરું થયું. જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇમાં અંતિમ શ્વાસ સુધી એના ચહેરા પર સ્મિત હતુ.

ગુજરાત સરકાર સ્ત્રીસશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરી રહી છે ત્યારે સ્ત્રીસશક્તિકરણના આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નિકીતા ઘીયાને શત શત વંદન.