Monday, June 20, 2016

સફળતાની યાત્રામાં

2003ના વર્ષની આ વાત છે.
મકરસંક્રાંતિનો દિવસ હતો. અમદાવાદમાં રહેનારા માટે મકારસંક્રાંત એટલે મોજે મોજ. 14 વર્ષનો ધવલ પતંગની મજા માણી રહ્યો હતો. ધવલ ઇલેટ્રિકના થાંભલામાં ફસાયેલી પતંગ ઉતારવા ગયો અને એને શોક લાગ્યો. બહુ ગંભીર રીતે ઘવાયેલા આ છોકરાના બંને હાથ એ હદે દાઝી ગયા હતા કે ડોકટરે બંને હાથને કાપવા પડ્યા.

કોણીનાં નીચેના ભાગેથી બંને હાથ કાપી નાંખ્યા. બધા લોકોને ધવલ પર દયા આવતી હતી. આ છોકરાએ હવે જીવનભર બીજાના સહારે રહેવું પડશે એવું લોકોને લાગતું હતું. નાનો દીકરો પડી ભાંગે એ પહેલા દીકરાને પ્રેરણા અને પ્રોત્સાહનથી નવું જીવન આપવાનો એના મમ્મીએ સંકલ્પ કર્યો.

ધવલ હોસ્પિટલમાં જ હતો. એકદિવસ એના મમ્મી પેન્સિલ અને કાગળ લાવ્યા. બધાને થયું આ કાગળ પેન્સિલની હોસ્પિટલમાં વળી શું જરૂર ? માંએ પથારીમાં પડેલા દીકરાને બળની વાતો કરી અને કપાયેલા બન્ને હાથમાં પેન્સિલ પકડાવી ચિત્રો દોરવા માટે પ્રોત્સાહિત કર્યો. ધવલે સૌથી પહેલા ગણપતિનું એક સામાન્ય ચિત્ર બનાવ્યું. ધવાલના મમ્મીએ ચિત્રના ખુબ વખાણ કર્યા.

મમ્મીના વખાણ સાંભળીને ધવલમાં એક નવી ચેતનાનો સંચાર થયો. લોકો એને અપંગ તરીકે ઓળખે એના બદલે એક સારા ચિત્રકાર તરીકે ઓળખે એવું ધવલ ઈચ્છતો હતો. ધવલે હવે ચિત્રકલાને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. સતત પ્રેક્ટિસ કરતો રહ્યો અને એકથી એક ચડિયાતા ચિત્રો બનાવતો ગયો. આજે ધવલ સારામાં સારો ચિત્રકાર છે. મમ્મી- પપ્પાના સહકાર અને સ્વયંની મહેનતથી એણે એના સ્વપ્નને સાકાર કર્યું. ધવલ એવા અદભૂત ચિત્રો બનાવે છે કે એને જોનારો કોઈ માણસ એ માનવા તૈયાર ના થાય કે આ ચિત્રો જેને હાથ નથી એવા માણસે બનાવ્યા છે.

અમદાવાદનો ધવલ ખત્રી આજે માત્ર ચિત્રકાર જ નહિ ખુબ સારો મોટિવેશનલ સ્પિકર અને ગિટારવાદક પણ છે. એ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો પણ મોજથી રમે છે. બીજાના આધારે જીવન જીવવાને બદલે બીજાનો જીવન આધાર બની શકે એવા મકામ પર એ પહોંચી ગયો છે.

મિત્રો, જો પોતાની જાત પર અને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય તો કોઈ પ્રકારની શારીરિક તકલીફો સફળતાની યાત્રામાં બાધા બની શકતી નથી.

No comments:

Post a Comment