Tuesday, June 28, 2016

ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો.

16-17 વર્ષની ઉંમરનો એક ફુટડો યુવાન હિપેટાઇટીસ - બી નો ભોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના આ લાડકવાયા દિકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. તમામ પ્રયાસો છતા છોકરો દિવસે-દિવસે વધારે નબળો પડતો જતો હતો. એક દિવસ એના પિતા આ છોકરાને લઇને હોસ્પીટલ પર આવ્યા. છોકરો એટલો પરવશ હતો કે એના પિતાએ એને ઉપાડીને હોસ્પીટલ આવવું પડ્યું. છોકરાને સંપૂર્ણપણે તપાસ્યા બાદ ડોકટરો અંદરોઅંદર અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળતો હતો એટલે ડોકટરો આગળ વધુ વાતો કરે એ પહેલા છોકરાના પિતાએ ડોકટરોને વાતો કરતા અટકાવ્યા. છોકરો હોશિયાર હતો અને અંગ્રેજી સારુ જાણતો હતો એટલે ડોકટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. બાપને સમજતા વાર ન લાગી કે દિકરાને પણ સમજાઇ ગયુ છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા સમયનો જ મહેમાન છે. બાપે દિકરાને એટલું જ કહ્યુ કે "બેટા તારી મમ્મીને આ વાતની ખબર પડશે તો એ સાવ પડી ભાંગશે." છોકરાએ એના પપ્પાને હિંમત આપતા કહ્યુ કે "પપ્પા ચિંતા ના કરશો મમ્મીને આ બાબતે કંઇ જ ખબર નહિ પડે."

છોકરાને હોસ્પિટલથી ઘરે લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબધ ધરાવતા એક ડોકટરને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર છોકરાને રુબરુ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઇને પુછ્યુ , " બેટા , જીવવું છે ? " છોકરાએ આંખમાં આંસું સાથે જવાબ આપ્યો , " હા અંકલ , બહુ જ ઇચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઇ છોકરીએ મારા હદયરૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે. મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઇચ્છા છે. "

ડોકટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ , " બેટા , જો તારી જીવવાની ઇચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યું સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમા જીતીશું. ભગવાન પણ આપણને મદદ કરશે." ડોકટર પોતાના ઘરેથી વીસીઆર અને કેટલીક વિડીયો કેસેટ લઇ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ પ્રકારની આ કેસેટો હતી. ક્યારેક ડોકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે 'જો બેટા ફિલ્મના આ પાત્રને કેટલું દુ:ખ પડે છે પણ એ કોઇ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.'

જીંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફુંક્યા.ડોકટરોના તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દુર ઠેલતો રહ્યો. રીલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. અને પ્રેમના ફળ સ્વરૂપે એક દિકરી અને એક દિકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું.

આજે આ યુવાન 44 વર્ષનો છે અને રિલાયન્સની નોકરી છોડીને નાણાકિય સલાહકાર તરિકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારિરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે અને છતાય એ મોજથી જીંદગી જીવે છે, કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર.

મિત્રો, નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના મૂળ રહેવાસી અને હાલમાં ઇન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને મૃત્યું સામેની લડાઇ લડવામાં સહાય કરનાર પેલા ડોકટર એટલે ભાવનગરના જાણીતા લેખક-ડોકટર ડો. આઇ. કે. વિજળીવાલા.

No comments:

Post a Comment