Friday, December 16, 2016

Sadar PATEL

યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ મુદો આવ્યો. ભારત સ્વાયત થયા પછી ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા.

ગાંધીજીએ સરદારને પુછ્યુ, "વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?" ગાંધીજી સહીત બધાને સરદારનો જવાબ સાંભળવાની ઇચ્છા હતી બધા સાવધાન થઇ ગયા. સરદારે ખુબ સહજતાથી કહ્યુ, "બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ." (મલતબ કે સન્યાસી બનીશ) સરદાર સાહેબની આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.

સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી સાચી સાબિત કરીને બતાવી. સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓ પણ સરદારના શીરે જ રાજમુટુક મુકવાની દરખાસ્ત રજુ કરતી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે?

સરદાર સાહેબના અવસાન પછી એમની અંગત મિલ્કતોમાં 4 જોડી કપડા, થોડા વાસણો અને માત્ર 237 રૂપિયાની બેંક બેલેન્સ હતી (આ રકમ બધા જુદી જુદી બતાવે છે પણ 250 રૂપિયાથી વધતી નથી) આનાથી મોટો સન્યાસી બીજો ક્યો હોય ?

સરદારના નામે કોઇ મકાન કે જમીનનો નાનો ટુકડો પણ નહોતો. અવસાન બાદ અંતિમ ક્રિયા પણ સામાન્ય માણસનો જ્યાં અગ્નિસંસ્કાર થાય ત્યા જ કરવાની એણે સુચના આપી હતી. સરદાર કહેતા કે અવસાન બાદ મારા નામની સમાધી બને અને દેશની થોડી જમીન મારા નામે દબાય એ હુ બીલકુલ નથી ઇચ્છતો. 562 રજવાડાઓને એક કરીને આજના અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર સાહેબ તો ચક્રવર્તિ સન્યાસી હતા.

દેશ માટે પોતાનું તન,મન અને ધન સર્વસ્વ અર્પણ કરનાર આ મહાપુરૂષની ગરિમા જાળવવામાં આપણે બધા સદંતર નિષ્ફળ ગયા છીએ. મેલી મુરાદના વામણા અને નફ્ફટ રાજકારણીઓએ સરદારની પ્રતિભાને ભૂંસી નાંખવાના પુરા પ્રયત્નો કર્યા છે પણ આ સૂર્યના તેજને કેવી રીતે ઢાંકી શકાય ?

સરદાર સાહેબે 15મી ડીસેમ્બર 1950ના રોજ વિદાય લીધી. એના 4 વર્ષ બાદ 1954માં મૌલાના આઝાદ મૃત્યુ પામ્યા. મૌલાનાના અવસાનના બીજા મહીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદભવનમાં એમનું તૈલીચિત્ર મુકવા માટે સંસદસભ્યોને વિનંતી કરી. આ સમયે ગ્વાલિયરના મહારાજા સિંધિયા ત્યાં હાજર હતા. મૌલાનાનું તૈલી ચિત્ર મુકવાની દરખાસ્ત થઇ ત્યારે એમનું ધ્યાન ગયુ કે સંસદના સભાખંડમાં અખંડભારતના નિર્માતા સરદાર પટેલનું તૈલી ચિત્ર તો છે જ નહી !

મહારાજા સિંધિયા સીધા જ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને જઇને મળ્યા અને બધી વાત કરી. સરદારનું ચિત્ર સંસદભવનમાં હોવુ જ જોઇએ એવી મહારાજાની વાતને રાષ્ટ્રપતિએ પણ સ્વિકારી. સરદારે જેમની પાસેથી એમનું રાજ્ય ભારતસંઘને અર્પણ કરાવ્યુ હતુ એવા મહારાજાએ પોતાના ખર્ચે તાત્કાલિક સરદારની પ્રતિભાને છાજે એવુ તૈલીચિત્ર તૈયાર કરાવ્યુ. ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે આ ચિત્રને ખુલ્લુ મુકવામાં આવ્યુ એ વખતે ગ્વાલિયરના મહારાજાએ સરદારને અંજલી આપતા કહ્યુ હતુ કે " આ એ માણસ છે જેને હું એક સમયે નફરત કરતો હતો, આ એ માણસ છે જેનાથી પછી હું ડરતો હતો, આ એ માણસ છે જેના આજે હું વખાણ કરુ છુ અને હું એને ભરપુર પ્રેમ કરુ છું."

આ યુગપુરુષને દેશનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' આપવામાં પણ આપણે કેટલા મોડા પડ્યા. જવાહરલાલ અને રાજાજીને જે સન્માન એમની હયાતીમાં જ આપ્યુ એ સન્માન ભારતમાના આ લાડકા દિકરાને એના અવસાનના 41 વર્ષ બાદ છેક 1991માં એનાયત કરવામાં આવ્યુ. ભારતરત્નથી ફીલ્મના અભિનેતાઓને સન્માનિત કરવાનું આપણને યાદ આવ્યુ પણ સરદારને સાવ ભૂલી જવામાં આવ્યા કે ભૂલાડી દેવામાં આવ્યા. જો કે સરદાર જેવી પ્રતિભા કોઇ સન્માનની મોહતાજ નથી.

સરદાર કોઇ જ્ઞાતિ કે સમાજના નહિ પરંતું ભારત દેશના હતા, છે અને રહેશે. સરદાર સાહેબને એમની 66મી પુણ્યતિથીએ કોટી કોટી વંદન.

સરદાર વાણી
જે પ્રજા પોતાના વીર પુરુષોની કદર કરી નથી જાણતી તે જેને વીરતાભર્યુ કહી શકાય એવુ કશુ નહી કરી શકે.

No comments:

Post a Comment