Monday, January 23, 2017

જગત રુપી બગીચો

એક રાજા હતો. સતત પોતાની રૈયત માટે કંઇકને કંઇક સારુ કરવાની શુભભાવના એના હૈયે વસેલી હતી. એને એક દિવસ વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ મજાનો બગીચો બનાવવો છે. આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો અને ફુલછોડ હોય કે જે બગીચાની મુલાકાત લેનારા કોઇપણ મુલાકાતીના મનને આનંદથી તરબતર કરી દે. પોતાના આ વિચારને મૂર્તિમંત કરવા માટે રાજાએ કેટલાક નિષ્ણાંત માણસો રોક્યા અને બગીચાનું કામ શરુ કરાવ્યુ.

બગીચાનું કામ શરુ કરાવીને પછી રાજા તો પોતાના રોજબરોજના વહીવટી કામમાં પરોવાઇ ગયા. બગીચો તૈયાર થઇ ગયો અને બગીચાની મુલાકાત લેવા માટે રાજાને કહેવામાં આવ્યુ પણ રાજા બીજા કેટલાક કામોમાં વ્યસ્ત હોવાથી બગીચાની મુલાકાત લઇ શક્યા નહી. થોડા વર્ષો પછી એકવાર રાજાને રોજબરોજના કામમાથી ફુરસદ મળતા તેઓ આ બગીચાની મુલાકાતે આવ્યા. એમણે આવીને જોયુ તો બગીચાના તમામ વૃક્ષો અને ફુલછોડ મુરઝાયેલા હતા. ફ્ળોથી લથબથ ઝાડ પણ ઉદાસ હતા અને ફુલોથી લચી પડેલ છોડ પણ ઉદાસ હતા. રાજાને એ નહોતુ સમજાતુ કે આ બગીચાના તમામ વૃક્ષો અને છોડવાઓની યોગ્ય માવજત કરવા છતા આ વૃક્ષો અને છોડવાઓ મુરઝાયેલા કેમ છે ?

એણે સફરજનના વૃક્ષને ઉદાસીનું કારણ પુછ્યુ તો સફરજનના વૃક્ષે કહ્યુ , "અરે , મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારના વૃક્ષને જોવ છુ ત્યારે મને એમ થાય છે કે એ કેટલું ઉંચુ છે ભગવાને મને એના જેટલી ઉંચાઇ કેમ નથી આપી ?" સફરજનનું વૃક્ષ જેને નસીબદાર ગણતુ હતુ એ દેવદારના વૃક્ષે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યુ , " હું બહુ ઉંચુ છુ પણ મને ફળ કેમ નથી આવતા આ ફળ વગરના વૃક્ષની કીંમત તો સંતાન વગરના દંપતિ જેવી કહેવાય. ભગવાને મને નાળીયેરીની jજેમ ઉંચાઇની સાથે ફળ પણ આપ્યા હોત તો કેવુ સારુ હતુ !" નાળીયેરીએ પોતાના દુ:ખની દાસ્તાન રજુ કરતા કહ્યુ, " ભગવાને મારામાં ફળ મુક્યા પણ આટલે બધે ઉંચે મુક્યા છે. ઘણીવખત તો માણસ મારા ફળનો ઉપયોગ કરવાનું જ ટાળે છે. મને દ્રાક્ષના વેલા જેવી કેમ ન બનાવી ?"

રાજા આ બધાની ફરીયાદ સાંભળતા સાંભળતા આગળ વધ્યા. વૃક્ષોના જેવી જ ફરીયાદ ફુલછોડની પણ હતી. પોતે બીજા જેવા કેમ નથી એ વાત ફુલછોડને પણ મુંઝવતી હતી. રાજા નિસ્તેજ બગીચાને જોઇને ઉદાસ થઇ ગયા. અચાનક રાજાની નજર થોડે દુર રહેલી એક વેલ પર પડી. વેલ એકદમ લીલીછમ અને તાજગીથી ચમકતી હતી. મુરઝાયેલા આખા બગીચાની વચ્ચે એક માત્ર આ વેલને તાજીમાજી જોઇને રાજાને ખુબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયા.

રાજાએ વેલને પુછ્યુ, " આ બગીચાના બધા જ વૃક્ષો અને ફુલઝાડ મુરઝાયેલા છે પણ તુ આવી તાજીમાજી કેમ છે ?" વેલ રાજાની સામે જોઇને હસી પછી બોલી, " હું મારી સરખામણી બીજા કોઇ સાથે નથી કરતી. ફળોથી લથબથ વૃક્ષોને જોઇને કે ફુલોથી લચી પડેલ છોડને જોઇને મને દુ:ખ નથી થતું કે મારામાં ફળ કે ફુલ કેમ નથી ? કારણ કે હું સમજુ છુ કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્વને ધ્યાનમાં લઇને જ લાવવામાં આવી હશે. મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફુલ આવવાના નથી અને છતાય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઇ જરુર હશ, જો મારી જરુર ન હોય તો પછી મને આ બગીચામાં લાવવામાં જ ન આવી હોત. બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકુ. આજે આપના ચહેરા પરનો આનંદ જોઇને મને પણ આનંદ છે કે હું મને લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકી છું."

મિત્રો, જેમણે આ જગત રુપી બગીચો બનાવ્યો છે એવા પરમાત્માએ આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્વ છે. દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે પરંતું આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને બધુ હોવા છતાય સતત મુરઝાયા કરીએ છીએ. આપ આ ધરતી પર છો એ જ બતાવે છે કે આપની આ ધરતીને જરુરીયાત છે.

No comments:

Post a Comment